રાજકોટ મહાનગર પાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ 116 કરોડની અલગ અલગ 76 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યત્વે રાજકોટમાં ન્યારી ડેમ અંતર્ગત વધુ એક 25 MLDનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. જેના થકી નવા રાજકોટના 2 લાખ જેટલા લોકોને પાણી ઉપયોગી થશે. આ ઉપરાંત દોઢ દાયકા પહેલા બનેલા રાજકોટના હાર્દ સમા 150 ફૂટ રિંગરોડ પર માધાપર ચોકથી ગોંડલ ચોકડી સુધીના 10.5 કિલોમીટરના માર્ગને રી-ડિઝાઇન કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી છે આ માટે સુરતની સરકારી સંસ્થાને સલાહકાર તરીકે રોકવા અને સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા અમદાવાદના સરખેજ ગાંધીનગર રોડ, SP રિંગ રોડ, સીંધુંભવન રોડ જેવા રસ્તાની ડિઝાઇન તૈયાર કરી છે જેમના દ્વારા અભ્યાસ કરી બાદમાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર સર્વે કરી બાદમાં 10.7 કિલોમીટરના માર્ગ પર રી-ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.
રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં કુલ 76 દરખાસ્તો આવી હતી જેનો અભ્યાસ કરવામાં આવ્યા બાદ ચર્ચા વિચારણા કરી અંતે 116 કરોડથી વધુ કિંમતની તમામ 76 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. મુખ્યત્વે આજે રાજકોટમાં જે દરખાસ્તો મંજુર કરવામાં આવી તે પૈકી એક એવી દરખાસ્ત કે જેમાં શાક માર્કેટ, ફ્લાવર માર્કેટ, અને ખડપીઠમાં થડા આવેલ છે જેમાં અત્યારસુધી માસિક દર રૂ.500 વસુલવામાં આવતો હતો જેમાં વધ કરી રૂ.1000 લેવા તેમજ સફાઈ ચાર્જ રૂ.500 લેવા માટે કમિશનર દ્વારા દરખાસ્ત આપવામાં આવી હતી જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા સંકલન સમિતિમાં ચર્ચા કરી બાદમાં માસિક ચાર્જ રૂ.500 યથાવત રાખી સફાઈ માટેનો રૂ.500 દર વસૂલવા દરખાસ્ત ને મંજૂરી આપવામાં આવી છે.