રાજકોટની જ્યુબિલી શાકમાર્કેટનો પૂલ અતિ જર્જરિત હાલતમાં છે. અંદાજે 75 જેટલા વર્ષ પહેલાં બનેલા આ પુલ પરથી ઢેબર રોડ ઉપર સ્ટેશન હતું, ત્યારે ટ્રેન પસાર થતી હતી. હાલ અહીં જ્યુબિલી શાકમાર્કેટ આવેલી છે અને આ પુલની આસપાસ અનેક દુકાનો પણ છે. તેમજ રોજના હજારો વાહનોની અવરજવર આ પુલ ઉપરથી થાય છે. છતાં તંત્ર દ્વારા વર્ષોથી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. જેને કારણે વર્ષો જૂનો આ પુલ મરમ્મતના અભાવે ખંઢેર હાલતમાં પડયો છે. પુલમાં ગાબડા પડી ગયા અને નીચેના પીલોર પણ જર્જરિત થઇ ગયા છે. ત્યારે હવે સર્વેશ્વર ચોક જેવી કોઈ દુર્ઘટના બને તે પહેલાં આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.
આ પુલ ઉપર 47 વર્ષથી મેડિકલ સ્ટોર ધરાવતા વેપારી જવાહરભાઈ પંજાબીએ જણાવ્યું હતું કે, આ પૂલ 75 વર્ષ જુનો છે. આ બનાવ્યા બાદ તંત્રએ એકપણ વખત સમારકામ કરવાની તસ્દી લીધી નથી. પુલનું બાંધકામ હાલ જર્જરિત થઈ ગયું છે. પુલમાં ઠેક ઠેકાણે ગાબડા પડી ગયા છે અને વોકળામાં પીલર હોવાથી પીલર પણ નબળા પડી ગયા છે. આ શહેરની મુખ્ય માર્કેટ હોવાથી દરરોજ અહીંથી લાખો વાહનોની અવરજવર રહેતી હોય છે.