રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. જામનગર રોડ પર વર્ષો જૂના અને સાંકડા સાંઢીયા પુલને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાથી લાખો વાહનચાલકોને મુક્તિ અપાવવા માટે 74.32 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાયઓવરબ્રિજ બનાવાની કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં છે. આ પ્રોજેક્ટની 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોય આચારસંહિતા પહેલા બ્રિજનું લોકાર્પણ થાય તે માટે બાકીની 10% કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં આ પ્રોજેક્ટનો સારો લાભ મળે તેમ હોવાથી લોકાર્પણ માટે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવે એવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
રાજકોટ મનપાનાં સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યા મુજબ પ્રોજેક્ટનો સૌથી પડકારજનક અને મહત્વપૂર્ણ તબક્કો રેલ્વે લાઈન પર ગર્ડર બેસાડવાનો હતો. ગઈકાલે મોડી રાત્રિના સમયે રેલ્વે વિભાગ સાથે યોગ્ય સંકલન સાધીને સેન્ટ્રલ સ્પાનના 7-સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલ્વે ટ્રેક પર કામ કરવાનું હોવાથી આ માટે ખાસ બ્લોક લેવામાં આવ્યો હતો અને તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. હજુ આગામી બે દિવસ સુધી રાત્રિના સમયે રેલ્વેના બ્લોક દરમિયાન ક્રોસ ગર્ડર અને પ્રેસીંગ વગેરેની આનુષંગિક કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા જ બ્રિજના મુખ્ય માળખાનું કામ પૂરું થઈ જશે.
SJMMSVY યોજના હેઠળ બની રહેલો આ આધુનિક બ્રિજ એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ બ્રિજની કુલ લંબાઈ 602.00 રનિંગ મીટર છે અને તેની પહોળાઈ 16.40 મીટર રાખવામાં આવી છે, જે તેને ફોર-લેન ટ્રાફિક માટે સક્ષમ બનાવે છે. બ્રિજના આખા માળખામાં કુલ 21 સ્પાન છે, જેમાં 20 સામાન્ય સ્પાન અને રેલ્વે ટ્રેક ઉપરનો 36.00 રનિંગ મીટરનો 1 સેન્ટ્રલ સ્પાન સામેલ છે. હાલમાં પિયર, ગર્ડર અને સ્લેબ વર્ક મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે. હવે મુખ્યત્વે ફિનિશિંગ કામગીરી, એપ્રોચ રોડનું નિર્માણ અને બ્રિજ પરના ડામર કામ બાકી છે.