રાજકોટ સહિત રાજ્યભરના 7398839 રેશનકાર્ડ ધારકોને આ વર્ષે જૂન માસમાં તુવેરદાળનો જથ્થો નહીં મળે તેમ જાણવા મળે છે. છેલ્લા ઘણા મહિનાઓથી રાજ્યમાં તુવેરદાળનો જથ્થો અનિયમિત હોય પુરવઠા નિગમના કારણે સસ્તા અનાજના વેપારીઓ અને રેશનકાર્ડ ધારકો વચ્ચે વિવાદ થઇ રહ્યા છે ત્યારે આ મહિને પણ તુવેરદાળનો જથ્થો નહીં આવતા લાખો ગરીબ પરિવારોને પોષણક્ષમ ખોરાકથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
રાજકોટ સસ્તા અનાજના વેપારી એસોસિએશનના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા મહિનાથી તુવેરદાળનો અપૂરતો જથ્થો આવતો હોવાથી રેશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના વેપારીઓ વચ્ચે માથાકૂટના કિસ્સાઓ વધ્યા હતા. આથી આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ જુલાઇ માસથી તુવેરદાળનો જથ્થો રેગ્યુલર મળી રહે તે માટેના આયોજનના ભાગરૂપે આ મહિને રાજકોટ જિલ્લાના 299241 સહિત રાજ્યભરના 7398839 રેશનકાર્ડ ધારકો માટે તુવેરદાળનો જથ્થો સપ્લાય કરાયો નથી.