RTE હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે 21 મેના રોજ યોજાયેલા RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ રાજકોટના 502 સહિત રાજ્યના વધુ 7006 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.28 મેને બુધવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે. રાજકોટ ગ્રામ્યમાં 174 અને શહેરમાં 328 બાળકોને RTE હેઠળ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયો છે.
RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની 728, અંગ્રેજી માધ્યમની 4564, હિન્દી માધ્યમની 1920 અને અન્ય માધ્યમની 166 એમ કુલ 7378 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. બુધવારે આરટીઈનો બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે તેમણે એલોટમેન્ટ લેટર સાથે ફાળવાયેલી શાળામાં 7 દિવસમાં એટલે કે 28મી મે સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.
RTE હેઠળ ગત તારીખ 28 એપ્રિલના રોજ પહેલો રાઉન્ડ જાહેર કરાયો હતો. જેમાં રાજકોટ શહેરમાં 4439 સીટ અને ગ્રામ્યમાં 2102 બેઠક ઉપર બાળકોને પ્રવેશ અપાયો હતો.