રાજકોટમાં એક દિવસમાં 700 કાર અને 1500 ટુ-વ્હિલર વેચાયા

હિન્દુ શાસ્ત્રોમાં અષાઢી બીજને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે અને તેમાં પણ આ વખતે અષાઢી બીજે સિધ્ધિ યોગની સાથોસાથ પુષ્ય નક્ષત્ર હોય વેપારીઓ માટે સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું હતું. રાજકોટ શહેરમાં અષાઢી બીજના દિવસે રૂ.100 કરોડથી વધુના ફોર વ્હિલર અને ટુ-વ્હિલર વેચાયા હતા. જેમાં 1500 ટુ વ્હિલર અને 700 ફોર વ્હિલરનો સમાવેશ થાય છે. લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાના પગલે સ્થાનિક બજારોમાં વેપાર-ધંધામાં મંદીનો માર સહન કરી રહેલા વેપારીઓના ચહેરા પર અષાઢી બીજના દિવસે વેપારનું મુહૂર્ત સચવાઇ જતા અને ઘરાકી નીકળતા રોનક આવી ગઇ હતી.

રાજકોટ શહેરમાં ફોર વ્હિલ વેચતા 20 શો-રૂમ આવેલા છે અને ટુ-વ્હિલર વેચતા 23થી વધુ શો-રૂમ છે. રાજકોટના શહેરીજનો અષાઢી બીજે વાહનો છોડાવવાનું ભારે શુભ માનતા હોય છે અને આ વર્ષે અષાઢી બીજે અન્ય શુભ યોગ રચાતા હોય અગાઉથી જ ફોર વ્હિલ અને ટુ-વ્હિલના બુકિંગ નીકળી પડયા હતા. તેમાં પણ ખાસ કરીને રૂ.7 લાખથી 35 લાખની ફોર વ્હિલના મોટાપાયે બુકિંગ થયા હતા.

આન ઓટોના માલિક શ્યામભાઇ રાયચુરાએ જણાવ્યું હતું કે, આ વર્ષે અષાઢી બીજનો દિવસ ગત વર્ષ કરતા પણ ઓટોમોબાઇલના વેપારીઓ માટે ફાયદાકારક રહ્યો હતો. રાજકોટ શહેરમાં એક જ દિવસમાં રૂ.15 કરોડથી વધુના 1500 ટુ વ્હિલર વેંચાયા હતા. તેમજ રૂ.85 થી 90 કરોડની કિંમતની લગભગ 700 જેટલી ફોર વ્હિલ કાર વેંચાઇ છે. જેમાં ટાટા, મારૂતિ, હુન્ડાઇ, નિશાન, મહિન્દ્રા, કિયા, હેકટર, ઓડી, મર્સિડિઝ, બીએમડબલ્યુ, લેન્ડ રોવર, ટોયેટો, સ્કોડા સહિતની કારોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *