રમતી વેળાએ માતાના ખોળામાંથી પટકાતાં 7 માસની બાળકીનું મોત

કચ્છના ફતેહગઢમાં રહેતા મુસ્લિમ પરિવારમાં એક હૃદય કંપાવનારી ઘટના બની છે ત્યારે 7માસની બાળકીનું માતાના ખોળામાં રમતી વેળાએ ખુરશી પરથી પટકાઈ જતાં રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મોત થયું છે.કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ફતેહગઢમાં રહેતા અલ્તાફભાઈ ખલીફાની 7 માસની પુત્રી ઇનાયાને ગત.તા.6ના ઘરે બાળકી તેની માતાના ખોળામાં રમતી હોય, જે દરમિયાન કોઈ કારણસર બાળકી ખુરશી પરથી નીચે પટકાઈ હતી, તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બાળકીને પ્રથમ કચ્છ બાદ વધુ સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકોના વોર્ડમાં તેણીનું બપોરના સમયે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એકની એક પુત્રીના અકાળ મૃત્યુ થવાથી માતા-પિતા શોકમગ્ન છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં બે પ્રૌઢના બેભાન હાલતમાં મોત શહેરમાં બે પ્રૌઢના બેભાન હાલતમાં મૃત્યુ થયા હતા. રૈયારોડ પરના વૈશાલીનગરમાં રહેતા હક્કાભાઈ સુખાભાઈ રાઠોડ (ઉ.વ.60) બુધવારે રાત્રે દશેક વાગે પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ તેમને લોહીની ઊલટી થવા લાગી હતી અને બાદમાં બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમને તાકિદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હક્કાભાઈ મિસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. અન્ય એક બનાવમાં ભાવનગર રોડ પરના ગંજીવાડામાં રહેતા ડુંગરભાઈ લાખાભાઈ બાલણિયા (ઉ.વ.55) પોતાના ઘરે બેભાન થઈ જતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. ત્રણ ભાઈમાં નાના ડુંગરભાઈ ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા હતા. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *