ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. રાજકોટના સપૂત અને જનહૃદયસમ્રાટ તરીકે જાણીતા રૂપાણીએ જાહેર જીવનમાં આપેલા યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. જોકે, રૂપાણી રાજકોટનાં લોકોના શ્વાસમાં જ હંમેશા જીવંત રહેશે કારણ કે, સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પૂર્વ CM વિજય રૂપાણીનાં બર્થ-ડે નિમિતે રોપાયેલા કુલ 63,000 વૃક્ષો હાલ 25 ફૂટના થયા છે. આગામી 200 વર્ષ સુધી આ વૃક્ષો લોકોને ઓક્સિજન આપશે.જેના કારણે લોકોના શ્વાસમાં પૂર્વ CM રૂપાણી સદા જીવંત જ રહેશે.
પૂર્વ CM 63 વર્ષના થયા ત્યારે સદભાવનાએ 63,000 વૃક્ષો વાવ્યા હતા સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજય ડોબરીયાએ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ ફક્ત રાજકોટના જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતના નેતા હતા અને મુખ્યમંત્રી તરીકે તેઓએ આપેલી સેવાઓ અનમોલ છે. સદભાવના સંસ્થા સાથે તેમનો ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો છે, જેની પ્રતીતિ તેમના જન્મદિવસ નિમિત્તે થયેલા એક ભગીરથ કાર્યથી થાય છે. જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે ખાસ કરીને 2021માં તેમના જન્મદિવસ પર જ્યારે તેમણે 63 વર્ષ પૂર્ણ કર્યા હતા ત્યારે સદભાવનાએ તેમની સાથે મળીને 63,000 વૃક્ષો વાવ્યા હતા.