સૌરાષ્ટ્રમાં પડી રહેલા અનરાધાર વરસાદને લીધે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. ભારે પવન સાથે વરસેલા વરસાદે સૌરાષ્ટ્રમાં 1122 વીજપોલ ધરાશાયી કરી દીધા છે. 67 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. એક જ દિવસમાં 1528 જેટલા ફીડર બંધ પડી ગયા છે જેમાંથી સૌથી વધુ ફીડર ખેતીવાડીના છે. સૌરાષ્ટ્રમાં 613 ગામડાં એવા છે જ્યાં ભારે વરસાદને કારણે વીજળી ગુલ થઇ ગઈ છે અને અંધારપટની સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભારે વરસાદને કારણે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પીજીવીસીએલ દ્વારા અગાઉ ચોમાસાને પગલે પ્રિ-મોન્સૂન કામગીરી કરી લેવામાં આવી હતી, પરંતુ છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે પવન સાથેના વરસાદે અનેક સ્થળે વીજપોલ જમીનદોસ્ત થયા છે, કેટલાક સ્થળોએ લાઈન પડી ગઈ છે, સૌરાષ્ટ્રમાં 67 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થઇ જતા મોટી સંખ્યામાં વીજગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સૌરાષ્ટ્રના 613 ગામડાંમાં હજુ અંધારપટની સ્થિતિ છે જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના 369 ગામડાંનો સમાવેશ થાય છે. વીજપોલ ઊભા કરવા, ટ્રાન્સફોર્મર બદલવા ટીમ સતત દોડતી રહી હતી.