એલિયન પ્રજાતિઓથી 60 ટકા વનસ્પતિ અને જીવ લુપ્ત થવાને આરે!

દુનિયાભરમાં નવી ઇકોસિસ્ટમમાં લવાયેલી હજારો એલિયન પ્રજાતિઓ પ્રકૃતિ, ખાદ્ય ઉત્પાદનો અને માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર માટે બાયોડાયવર્સિટી અને ઇકોસિસ્ટમ સર્વિસ પર ઇન્ટર ગવર્નમેન્ટ સાયન્સ પોલિસી પ્લેટફોર્મે રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દર વર્ષે વૈશ્વિક અર્થતંત્રને 3.5 હજાર કરોડથી વધુ અંદાજિત નુકસાન પહોંચી રહ્યું છે.

છેલ્લી કેટલીક સદી દરમિયાન માનવજાતે જાણે અજાણે 37 હજારથી વધુ પ્રજાતિઓને તેમના પ્રાકૃતિક સ્થળથી બહાર અન્ય જગ્યાએ ખસેડી છે. તેમાં 3,500થી વધુને આક્રમક મનાય છે. આ એલિયન પ્રજાતિઓ વિભિન્ન જગ્યાએ નોંધાયેલા 60% છોડ અને જીવોના વિલુપ્ત થવાનું મુખ્ય કારણ પણ છે. આ પ્રજાતિઓ માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.

એક સમયે માત્ર આફ્રિકામાં જોવા મળતા મલેરિયા, ડેંગ્યુ, ઝીકા વાઈરસ જેવી બીમારીઓ ફેલાવતા મચ્છરો હવે દુનિયાભરમાં આક્રમક થયા છે. આ સંશોધનના સભ્ય અને ઇકોલૉજિસ્ટ હેલેન રૉયે જણાવ્યું કે અમે દુનિયાભરમાં વિદેશી પ્રજાતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોઇ રહ્યા છીએ. દર વર્ષે લગભગ 200 નવી વિદેશી પ્રજાતિઓ સામે આવે છે. તે દુનિયાભરના લાખો લોકોના જીવનની ગુણવત્તા માટે ખતરો છે. 49 દેશોના 86 નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ જૈવ વિવિધતાને એલિયન પ્રજાતિઓથી થઇ રહેલા નુકસાન પર અત્યાર સુધીનો સૌથી વિસ્તૃત રિપોર્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *