ઉપલેટાના ગણોદ-તણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રહેતા અને મજૂરીકામ કરતા મજૂર પરિવારોમાં કોલેરાની ભયાનક બીમારી ફેલાઇ જતા અને ચાર માસૂમ બાળકોના મૃત્યુ નીપજ્યાની કરુણાંતિકા સર્જાયા બાદ જાગેલા વહીવટી તંત્રે આકરી કાર્યવાહી કરી છ કારખાના સીલ કરી દીધા છે તેમજ આ ફેક્ટરીના માલિકોને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એક્ટ હેઠળ નોટિસ આપી આકરી કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ઉપલેટા નજીકની ફેક્ટરી વિસ્તારમાં રહેતા મજૂરોમાં કોલેરા ફેલાયાની જાણ થયા બાદ શનિવારથી આ વિસ્તારોમાં તબીબોની 40 જેટલી ટીમ ઉતારી સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે અને તમામ ફેક્ટરીમાંથી પાણીના નમૂના લઇ લેબોરેટરીમાં તેની ચકાસણી કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય તંત્રની ટીમોની તપાસણી દરમિયાન સાત ફેક્ટરીમાંથી કોલેરા અને ઝાડા-ઊલટીના કુલ 47 કેસ મળી આવ્યા હતા. દરમિયાન છ ફેક્ટરીમાંથી લેવાયેલા પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાનું વધુ પ્રમાણ અને બીમારી ફેલાવતા તત્ત્વો મળી આવતા તેમની સામે ઇન્ડસ્ટ્રિયલ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્વચ્છતા, સફાઇ સહિતના મુદ્દે નોટિસ આપી છે.