રાજકોટ મહાનગરપાલિકાની અડધો ડઝન જેટલી શાખામાં મહેકમ સેટઅપ મુજબની ડ્રાઇવર, હેલ્પર, ફિલ્ડ વર્કર, પેટ્રોલર સહિતની 809 જગ્યામાંથી 566 જગ્યા ખાલી છે. શહેરની વસતી અને વિસ્તારને ધ્યાનમાં લઇ આ ખાલી જગ્યા ભરવામાં આવે તેવી રજૂઆત પછાત વર્ગ કર્મચારી મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે.
આ રજૂઆતમાં મંડળે જણાવ્યું છે કે, મનપા તંત્ર દ્વારા જુનિયર ક્લાર્ક, ઇજનેરો, એકાઉન્ટ ક્લાર્ક, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, એસએસઆઇ, વોર્ડ ઓફિસર, ફાયર ઓપરેટર, ટીપી અને આરોગ્ય શાખામાં ટેક્નિકલ અને નોન ટેક્નિકલ કેડરમાં ભરતી ચાલી રહી છે. હવે 1979થી મહાનગરપાલિકાનું તંત્ર કાર્યરત થયું છે તે સાથે મહેકમ સેટઅપ મંજૂર થયું છે. 1979થી આજદિન શહેરના ક્ષેત્રફળ અને વસતીમાં પણ મોટો વધારો થયો છે. વધેલી કામગીરી પ્રમાણે સોલિડ વેસ્ટ, રોશની, વોટરવર્કસ, ડ્રેનેજ શાખામાં વર્ગ-3 અને 4ના કર્મચારી નિવૃત્ત થયા હોય, અવસાન પામ્યા હોય તે બાદ સેટઅપ મુજબની જગ્યાઓ વર્ષોથી ખાલી છે.
જુદા-જુદા ટેક્નિકલ અને નોન ટેક્નિકલ સંવર્ગની સીધી ભરતી તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ પાયાની કામગીરી કરતા ડ્રાઇવર, હેવી વ્હિકલ ઓપરેટર, ડ્રાઇવર કમ મશીન ઓપરેટર, હેલ્પર, મજૂર, ફિલ્ડ વર્કર, પેટ્રોલરની જગ્યા ખાલી છે. આ જગ્યા પર સીધી ભરતી ન થતા જાહેર સેવા પર અસર પડી રહી છે. મનપાના સોલિડ વેસ્ટ, રોશની, વોટરવર્કસ, ડ્રેનેજ, મેલેરિયા શાખા જેવી કચેરીમાં આવશ્યક કામોનું ખાનગીકરણ કરી કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી છે, પરંતુ તેનાથી સંતોષકારક કામ થતું નથી અને કોર્પોરેશન પર આર્થિક ભારણ વધ્યું છે. ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા રાખવામાં આવેલા કર્મચારીઓનું શોષણ થાય છે અને મામલો કોર્ટ સુધી જાય છે.