સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીના 32 કોર્સની યુજી અને પીજીના સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાનો બુધવારથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. પરીક્ષાના પહેલા દિવસે કોઈ કોપીકેસ કે ગેરરીતિ નહીં થયાનું જાણવા મળ્યું છે.
બુધવારથી જે પરીક્ષાનો પ્રારંભ થયો છે તેમાં સૌથી વધુ બીએ સેમેસ્ટર-4 રેગ્યુલરના 17,108 વિદ્યાર્થી અને બી.કોમ. સેમેસ્ટર-4 રેગ્યુલરના 16,116 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. 25મી એપ્રિલ સુધી ચાલનારી આ પરીક્ષાનો સમય સવારે 10.30થી 1 અને બપોરે 3થી 5.30 વાગ્યા સુધીનો રખાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી 8 ફેકલ્ટીમાં સ્નાતકના અને અનુસ્નાતકના સેમેસ્ટર-2 અને 4ના 31 કોર્સની પરીક્ષા 16મીથી શરૂ થઈ છે. સવારે 10.30થી 1 અને બપોરે 3થી 5.30 વાગ્યા દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. આર્ટસ ફેકલ્ટીમાં બીએ, બીએ આઈડી, બીએસડબલ્યુ, એમ.એ. અંગ્રેજી રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર-4 તેમજ બીજેએમસી સહીતના કોર્સની પરીક્ષા લેવામાં આવશે.
જ્યારે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં બીબીએ સેમેસ્ટર-4 તથા એમબીએ અને એમબીએ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેમેસ્ટર-2 , કોમર્સમાં બી.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર-4 તથા એમ.કોમ રેગ્યુલર સેમેસ્ટર-2 ની પરીક્ષા લેવાશે. આ ઉપરાંત સાયન્સમાં બીસીએ, બીએસસી આઈટી, બીએસસી, એમએસસી ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ સેમેસ્ટર-4, એમએસસી ઓલ સેમેસ્ટર-2ની પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર પણ મોકલવામાં આવ્યા હતા.