ભારતીય વિજ્ઞાન પરંપરા અને સિદ્ધિઓનો અર્વાચીન વિજ્ઞાન સાથે તાલમેલ મેળવી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવાના શુભ આશયથી કાર્ય કરી રહેલી સંસ્થા એટલે વિજ્ઞાન ભારતી (વિભા). વિજ્ઞાન ભારતીનું ગુજરાત એકમ એટલે વિજ્ઞાન ગુર્જરી. ગુજરાત રાજ્યની શાળા, કોલેજોમાં આગામી તા. 1થી 12 ઓગસ્ટ સુધી 501 નિઃશુલ્ક કાર્યશાળા યોજાશે. જેમાં 501 તજજ્ઞો દ્વારા 50,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામા આવશે. હાલ ધો. 11-12 સાયન્સ તેમજ વિજ્ઞાન વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે વિજ્ઞાન કાર્યશાળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
વિજ્ઞાન ગુર્જરી ગુજરાત વિજ્ઞાન સંમેલન (GVS), સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ (SIF), પ્રોજેક્ટથી પ્રોડક્ટ (P2P), એક માસ વૈજ્ઞાનિક ખાસ કોન્ફરન્સ પ્રતિયોગિતા, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM), વર્લ્ડ આયુર્વેદા કોન્ફરન્સ (WAC), ભારતીય વિજ્ઞાન સંમેલન (BVS) વગેરે જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ લોકોમાં વિજ્ઞાન અંગે જાગૃતિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિજ્ઞાન ગુર્જરીએ શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે, જે હેતુસર નિયમિત રીતે વિવિધ ક્ષેત્રોમાં કાર્યક્રમમાં વર્કશોપ તથા સેમિનારનું આયોજન કરે છે.
વિદ્યાર્થીઓ ઇનોવેશન માટે વધુને વધુ જાગૃત તથા પ્રોત્સાહિત થાય તે આશયથી વિજ્ઞાન ગુર્જરી દ્વારા 2021થી શરૂ કરી પ્રતિ વર્ષ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ SIF વર્ષ 2021માં યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત 16 એક્સપર્ટ ટોક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વિતીય SIF 2022માં યોજાયેલ હતો. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતની સૌથી લાંબી એક્સપર્ટ ટોપ શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું. SIF-2022 દરમિયાન ગુજરાતની 75 અલગ અલગ કોલેજો, યુનિવર્સિટીઓ તથા શાળાઓમાં 75 એક્સપોર્ટ લેક્ચર આપવામાં આવ્યા હતા. જેનો લાભ 10,000 ઉપરાંત વિદ્યાર્થીઓએ લીધો હતો. આ ઉપરાંત એક જ દિવસમાં 361 અલગ-અલગ શાળા, કોલેજો અને સંશોધન સંસ્થાઓમાં 361 નિષ્ણાતો દ્વારા 361 એક્સપર્ટ લેક્ચર યોજી વિશ્વ વિક્રમ સર્જીઓ હતો જેમાં 37,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.