પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતાં જૈનો લાલઘૂમ

પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલે (16 જૂન, 2024) બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે, દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે. તો મોડીરાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા SP તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પડ્યો હતો.

જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્રસાગર ભગવંતે હાજર લોકોને જણાવ્યું હતું કે, ક્યાં સુધી આવી રીતે નારાબાજી કરીશું? ક્યાં સુધી આવી રીતે મળીશું? અને ક્યાં સુધી આ મહાત્માઓ પરસેવા પાડશે? આંદોલન મને અને તમને એક સહિયારો સવાલ પૂછે છે કે, આવતીકાલ માટે શું કરીશું? કેટલીવાર લોકોને ભેગા કરવાના? કેટલીવાર આપણને કલેક્ટર કચેરીમાં એન્ટ્રી મળવાની? આજે એન્ટ્રી મળી છે ને એ પણ એ લોકોની મજબૂરી છે એટલે મળી છે. બાકી આપણને કોઈ ઊભા રહેવા ન દે, કહી દે બહાર નીકળી જાવ, ગેટ આઉટ. પણ એમને ખબર છે કે, એમને ગેટ આઉટ ન થવું પડે એટલે આપણને ઈન આઉટ કરેલા છે. એટલે આપણને બોલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *