રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની સુરત, નવસારી, તરવડા, જસદણ, મોરબી, હૈદરાબાદ વગેરે શાખાઓના 50 સંતો હિમાલયના ચારધામની યાત્રાએ પધાર્યા છે. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે ગોઠવાયેલ આ યાત્રામાં સંતવલ્લભદાસજી સ્વામી તથા નવસારી ધર્મજીવન સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી સ્વામી જગતપાવન દાસજી સ્વામીની નિશ્રામાં સંતો કુરુક્ષેત્ર પધારેલા છે. જેમાં ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સંતોની પધરામણી કરાવવામાં આવી હતી.
પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કૌરવ પાંડવોની યુદ્ધ ભૂમિમાં પાંડવપક્ષે 7 અક્ષોહિણી સેના એટલે કે, 15,30,900 યોદ્ધાઓ, જ્યારે કૌરવ પક્ષે- 11 અક્ષોહિણી સેના એટલે કે 24,05,700નું દળ હતું. છતાં ભગવાન શ્રીકૃષ્ણના સહારે પાંચ પાંડવોએ 100 કૌરવો સામે ગૌરવ મેળવ્યો હતો. પાંડવોના વિજયની યશગાથા ગાતી આ ભૂમિમાં સંતોએ દર્શન કર્યા અને ગીતાના શ્લોકોનું ગાન કરી ધન્યતા અનુભવી હતી.