જૈન સમાજ તેમજ દરેક સમાજના યુવાનો આત્મનિર્ભર બને તેઓને પરાધીન કે લાચાર ન રહેવું પડે તે માટે, તેમજ મોંઘવારીના સમયમાં જરૂરિયાતમંદ બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મળી રહે તે માટે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે અર્હમ યુવા સેવા ગ્રૂપ અને જૈન સમાજના દાતાઓએ પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત જૈન સમાજ સહિત સર્વ સમાજના 50 જરૂરિયાતમંદ યુવાનો, પરિવારના મોભીને રિક્ષા આપવામાં આવી છે. તેમજ તેના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જવાબદારી પણ ઉઠાવી લીધી છે. રવિવારે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના અધ્યક્ષ સ્થાને પરમ કરુણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ત્રિવિધ સેવા પ્રકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિત સૌરાષ્ટ્રભરમાં તબક્કાવાર રિક્ષા અર્પણ કરવામાં આવશે. તેમ અર્હમ સેવા ગ્રૂપના સેતુરભાઈ દેસાઈએ જણાવ્યું છે.
યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આ સેવા પ્રક્લ્પ-યોજના જાહેર કરવામાં આવી છે. જેનો ગેરઉપયોગ ન થાય તે માટે કુલ રિક્ષાની 60% રકમ ગુરુભક્તો અને જૈન સમાજના દાતાઓ આપશે અને બાકીની 40 ટકા રકમની લોન કરાવી આપવામાં આવશે અને તેનો હપ્તો લાભાર્થીએ ભરવાનો રહેશે.જેથી તેઓ પોતાની ફરજ અને કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવે.