રાજ્યની રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા 5 નાણાકીય વર્ષમાં કુલ 7712 ભરતીમેળાઓ થકી અંદાજે 6.29 લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. રોજગાર વિનિમય કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે કેન્દ્ર સરકારના સપ્ટેમ્બર-2024ના સર્વે મુજબ ભારતના 3.2 ટકા બેરોજગારી દરની સરખામણીએ ગુજરાતનો બેરોજગારી દર માત્ર 1.1 ટકા જ છે જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.
સરકારની ડિજિટલ પહેલ થકી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા ‘અનુબંધમ પોર્ટલ’ થકી યુવાનો રોજગારલક્ષી સેવાઓ ઓનલાઈન માધ્યમથી પણ મેળવી શકે છે. આ પોર્ટલ પર અત્યાર સુધીમાં 4.5 લાખ કરતા વધુ રોજગાર વાંચ્છુઓએ નોંધણી કરાવી છે. આ પોર્ટલ પર 51 હજારથી વધુ નોંધાયેલા નોકરીદાતાઓ દ્વારા 10.94 લાખ કરતાં વધુ જગ્યાઓ છે. આમ, આ વેબપોર્ટલ થકી નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ વચ્ચેનું અંતર ઘટાડી બન્નેને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી શકવામાં સફળતા મળી છે.
નોંધણી પ્રક્રિયામાં રાજ્યના રોજગારવાંચ્છુ ઉમેદવાર અને નોકરીદાતાઓની રોજગાર કચેરી ખાતે રૂબરૂ તથા ‘અનુબંધમ પોર્ટલ’માં ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. નોકરીદાતાઓ દ્વારા તેમના એકમ ખાતે ખાલી પડેલી જગ્યાની જાણ કરવામાં આવે છે. ભરતી મેળાના પ્રકાર મુજબ આયોજન માટે સુચારુ વ્યવસ્થા ધરાવતું સ્થળ નિયત કરવામાં આવે છે. ભરતી મેળાના દિવસે ઉમેદવારોની સ્થળ પર પસંદગી તેમજ આનુષાંગિક કામગીરીનું અમલીકરણ કરવામાં આવે છે.