રાજકોટમાં દુબઈમાં રોકાણ કરાવી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી રૂ.1.48 કરોડની છેતરપિંડી કરનાર કાકા-ભત્રીજાને આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ઝડપી પાડ્યા છે. જ્યારે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ખૂંટ અને તેની માતા ફરાર થઈ જતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મવડી પ્લોટ ખાતે માયાણી ચોક નજીક રહેતા વિરેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર (ઉ.વ.28)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, સાગર અરવિંદ ખૂંટ, તેના પિતા અરવિંદ લાલજી ખૂંટ, માતા જયોત્સનાબેન ખૂંટ અને ગૌરાંગ મનસુખ ખૂંટે મળીને અનેક લોકોને દુબઈમાં આવેલી ‘મિસા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સ’માં રોકાણ કરાવવાનો ફાંસો નાખ્યો હતો. આરોપીઓએ રોકાણકારોને કહ્યું હતું કે, દુબઈમાં તેમની કંપની છે અને તેમાં રૂપિયા મૂકશો તો દર મહિને 5થી 7 ટકા સુધીનું વળતર મળશે.
આ લાલચમાં આવી ફરિયાદી અને અન્ય લોકોએ આરોપીઓના બેંક ખાતામાં રૂ.48.93 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે અરવિંદ ખૂંટ અને એજન્ટ ગૌરાંગ ખૂંટે રોકડમાં વધુ રૂ.1.26 કરોડ ઉઘરાવ્યા હતા. આ રીતે કુલ રૂ.1.74 કરોડથી વધુની રકમ એકત્ર કરી હતી.
શરૂઆતમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા આરોપીઓએ રૂ.26.77 લાખ જેટલું વળતર પણ પરત આપ્યું હતું. પરંતુ બાદમાં ન તો મૂળ મૂડી પરત આપી અને ન કોઈ વધુ નફો આપ્યો. આરોપીઓએ રોકાણકારોના રૂ.1.48 કરોડ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.