હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આજે છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટા-છવાયાં વરસાદી ઝાપટાં વરસી શકે છે.
આજે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પર હાલમાં બે સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરના ભાગમાં લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. આ સાથે જ અત્યંત ભારે વરસાદ પણ આજના દિવસમાં વરસી શકે છે.