સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 47 દરખાસ્તો મંજૂર

રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં ચેરમેનની નવી હાઇબ્રિડ ઇનોવા કાર સહિતની રૂપિયા 12 કરોડની 47 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જેમાં પ્રથમવાર જયનાથ હોસ્પિટલ પાછળ, શાક માર્કેટ પાસે આવેલા વોંકળાથી વાણીયાવાડી-6ને જોડતો ફૂટ બ્રિજ બનાવવા રૂપિયા 23 લાખનો ખર્ચ કરવા સહિતની દરખાસ્તો સામેલ છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આજની બેઠક શરૂ થતાં પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફોન આવ્યો હતો. અને તમામને રાજકોટનાં વિકાસ માટે કાર્યરત રહેવાની સૂચના આપવાની સાથે ગઈકાલે સિટીબસ સેવા ફ્રી કરવાનો નિર્ણય લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આજની બેઠકમાં 48 દરખાસ્તો હતી. જે પૈકી કર્મચારીઓનાં પગાર વધારવા સિવાય તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. આ દરખાસ્ત અંગે આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. બાકી રૂપિયા 12 કરોડથી વધુનાં વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે.

પોતાના માટે નવી કાર ખરીદવા અંગે તેમણે જણાવ્યું કે, આ કાર મારા માટે નહીં પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન માટેની છે. અગાઉ 2016માં સ્ટે. ચેરમેન અને કમિશનર માટે નવી કાર ખરીદવામાં આવી હતી. આ બાદ 2018માં કમિશનર માટે નવી કાર વસાવવામાં આવી હતી. જોકે, ચેરમેનની કાર 2.88 લાખ કિ.મી. ચાલી ગઇ છે અને માસિક રૂપિયા 30 હજાર સુધીનો મોટો મેન્ટેનન્સ ખર્ચ આવે છે. આથી હાઇબ્રિડ કાર પ્રથમ વખત રાજકોટ કોર્પો.માં ખરીદવા માટેનો નિર્ણય લેવાયો છે. સિટીમાં ઇલેક્ટ્રિક અને હાઇવે પર ડિઝલથી ચાલે એવી આ કારની ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ છે. અમદાવાદમાં આ પ્રકારની કાર વસાવવામાં આવી છે. આ કાર ખરીદવા માટે રૂપિયા 25.48 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *