રાજકોટ-ભુજની નવી ટ્રેનની પહેલી ટ્રીપમાં 46 યાત્રિકોએ મુસાફરી કરી

તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી રાજકોટ-ભુજની નવી સ્પેશિયલ ટ્રેનની શુક્રવારે પહેલી ટ્રીપ રવાના કરવામાં આવી હતી. પહેલી ટ્રીપમાં રાજકોટથી ભુજ 46 યાત્રિકોએ મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે. 9 યાત્રિકોએ આ ટ્રેનમાં જવા માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું જેની રેલવેને રૂ.2215ની આવક થઇ હતી, જ્યારે રિઝર્વેશન વિના 37 યાત્રિકોએ મુસાફરી કરી હતી જેની રેલવેને રૂ.2730ની આવક થઇ છે. કુલ 46 યાત્રિકોએ પહેલી ટ્રીપમાં રાજકોટથી ભુજ જતી ટ્રેનમાં મુસાફરી કરી હતી. પહેલો દિવસ હોવાથી યાત્રિકોની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી હતી પરંતુ જેમ જેમ વેકેશનનો સમયગાળો નજીક આવશે તેમ ટ્રાફિક વધવાની શક્યતા રહેલી છે.

છેલ્લા ઘણા સમયની માંગણી બાદ પહેલીવાર શુક્રવારે રાજકોટ-ભુજની ટ્રેન જંકશનથી બપોરે રવાના કરવામાં આવી હતી. ભુજથી સવારે 6.50 કલાકે ઉપડી બપોરે 1.35 કલાકે આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર આવી પહોંચી હતી અને રાજકોટથી બપોરે 2.35 કલાકે ઉપડી 21.40ના પરત ભુજ પહોંચી હતી. આ ટ્રેનમાં યાત્રિકો માટે સિટિંગનું ભાડું રૂ.125 અને એ.સી ચેર કારનું ભાડું રૂ.535 રાખવામાં આવ્યું છે. યાત્રિકો આ ટ્રેનમાં ભુજ જવા માટે એડવાન્સ બુકિંગ પણ કરાવી શકે છે. આ ટ્રેન બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *