ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી આજે રાજકોટ સહિત રાજ્યભરમાં લેવાનાર છે ત્યારે રાજકોટમાં 143 સ્કૂલના 4549 વિદ્યાર્થી આજે પ્રખરતા શોધ કસોટી આપશે. શહેરના જુદા જુદા 19 બિલ્ડિંગમાં પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રખરતા શોધ કસોટીમાં પ્રશ્નપત્ર-1 અને પ્રશ્નપત્ર-2ના કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રોકડ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. પ્રશ્નપત્ર-1માં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવાશે જ્યારે પ્રશ્નપત્ર-2માં ગણિત, વિજ્ઞાન અને માનસિક ક્ષમતાની પરીક્ષા લેવામાં આવશે.
રાજ્યભરમાં 4116 સ્કૂલના 1,03,352 વિદ્યાર્થીઓ આજે પ્રખરતા શોધ કસોટી આપવાના છે. જેના માટે 391 બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રશ્નપત્ર 1 અને 2 બંને માટે 120-120 મિનિટનો સમય વિદ્યાર્થીઓને આપવામાં આવશે. પરિણામ બાદ મેરિટમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ આવેદનપત્રમાં દર્શાવેલા બેંકના ખાતામાં જમા કરાવામાં આવશે. ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે 10 ડિસેમ્બર-2024 સુધી ભરવાના હતા ત્યારબાદ તારીખ 13 ડિસેમ્બર-2024 સુધી મુદત લંબાવવામાં આવી હતી.