25.62 લાખના દાગીના ચોરી કરનાર કર્મચારી પાસેથી 45 ગ્રામ સોનું જપ્ત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામના શોરૂમમાંથી તેના જ મુખ્ય કર્મચારીએ રૂ.25.62 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 45 ગ્રામ સોનું કબજે કર્યું છે અને અન્ય દાગીના કબજે કરવાની કવાયત હાથ ધરી હતી. અર્જુન જ્વેલર્સમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતાં અને મોટામવા પાસેની આંગન ગ્રીનસિટીમાં રહેતા હિતેષભાઇ ભગવાનજીભાઇ વસોયા (ઉ.વ.41)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શોરૂમમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરતાં અને રેસકોર્સ પાર્કમાં રહેતા નૈમિષ વિજય જાનીનું નામ આપ્યું હતું.

હિતેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15 એપ્રિલ 2024થી 15 માર્ચ 2025 સુધીમાં શોરૂમમાંથી રૂ.25,62,500ની કિંમતના અલગ અલગ દાગીના ગાયબ હતા અને શોરૂમના સીસીટીવી કેમેરા ચેક કરતાં શોરૂમના મુખ્ય કર્તાહર્તા સમાન કર્મચારી નૈમિષ જાની જ દાગીના ચોરી કરતાં કેમેરામાં દેખાયા હતા.

આ બાબતે નૈમિષ વિજય જાનીની શોરૂમના સંચાલકોએ પૃચ્છા કરતાં નૈમિષ જાનીએ પોતે ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી નૈમિષ જાનીની ધરપકડ કરી હતી અને નૈમિષ પાસેથી 45 ગ્રામ સોનું કબજે કર્યું હતું. નૈમિષે અન્ય દાગીના સોની બજારમાં વેચી દીધા હોવાની કેફિયત આપી છે. સોની બજારમાં ક્યા ક્યા વેપારીને દાગીના વેચ્યા હતા તે વેપારીની યાદી પોલીસે તૈયાર કરી હતી અને તે વેપારી પાસેથી દાગીના કબજે કરવાની કવાયત પણ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *