રાજકોટ સહિત દેશભરમાં આજથી (15 ફેબ્રુઆરી) CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજકોટ રિજનમાં એટલે કે, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ મળીને કુલ 4,225 વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં પરીક્ષા કેન્દ્રો ઉપર જેકેટ પહેરીને આવેલા વિદ્યાર્થીઓનું જેકેટ કઢાવ્યું હતું. તો ટ્રાન્સપરન્ટ પેડ ન હોવાથી તેમાંથી પૂઠું કઢાવવામાં આવ્યું હતું. 10 ક્લાસ અથવા 240 વિદ્યાર્થીઓ વચ્ચે સીસીટીવી મોનિટરિંગ ઓફિસર અને દિલ્હી કેન્દ્રથી મોનિટરિંગ સાથે બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે.
વિદ્યાર્થી અમન સિંગે જણાવ્યું હતું કે, ધોરણ 10 સીબીએસઈ બોર્ડની એક્ઝામ આપવા માટે આવ્યો છું. હું મુળ ઉત્તર પ્રદેશનો છું. મારું સ્વપ્ન આર્મીમાં જવાનું છે અને તેના માટે હું ખૂબ જ મહેનત કરીશ. જ્યારે SGVP ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી કલ્પિતે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપી રહ્યો છું, પરંતુ તેના માટે કોઈ પણ જાતનો ડર નથી. જ્યારે ભરાડ સ્કૂલના શિક્ષક લલિત સોજીત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ અને સીબીએસઇ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અંતર હોય છે. આ વખતે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી તો હશેજ, પરંતુ આ સાથે જ 10 ક્લાસ વચ્ચે સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવામાં આવશે, જેથી કોઈપણ વિદ્યાર્થી ચોરી નહીં કરી શકે.