દેશમાં 25 વર્ષથી ઓછી વયના 42% ગ્રેજ્યુએટ બેરોજગાર

બૅંગલુરુ કોરોનાકાળ પછી દેશની અર્થવ્યવસ્થા સુધરવાની સાથેસાથે બેકારીના દરમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં સ્નાતક થયેલા લોકોની બેરોજગારી અત્યારે પણ 15%ના સ્તરે છે. ઝડપી આર્થિક વિકાસ છતાં 25થી ઓછી વયના 42% સ્નાતકો બેકાર છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ બુધવારે પ્રસિદ્ધ કરેલા ‘સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા, 2023’ અહેવાલ પ્રમાણે 2019 પછીથી વર્કફોર્સનું કદ વધ્યું, ભાગીદારીનો દર વધ્યો અને બેરોજગારીનો દર ઘટ્યો છે. 2021-2022માં બેરોજગારીનો દર 6.6% હતો, જે 2017-18માં 8.7% હતો. આ આંકડા શહેરી અને ગ્રામ્ય, બંને વિસ્તારો તથા મહિલા-પુરુષ, બંને વર્ગ સાથે સંકળાયેલા છે. આ અહેવાલમાં પીરિયોડિક લેબર ફોર્સ, 2023ના ડેટાને આધાર તરીકે લેવાયો છે. તેના આધારે ઉચ્ચ શિક્ષિત જૂથમાં બેકારીના દરમાં ભારે ઉતર-ચઢ જોવા મળી છે. 20 વર્ષથી ઓછી વયના શિક્ષિત યુવાનોમાં બેકારીનો દર 42% રહ્યો હતો જ્યારે 35 વર્ષ કે તેનાથી વધુ વયના માત્ર 5% સ્નાતક જ બેરોજગાર હતા. એટલે કે સ્નાતકોને મોડેમોડે પણ કામ મળતું હતું. જોકે તેમની યોગ્યતા અને અપેક્ષા પ્રમાણેનું કામ મળ્યું છે કે નહીં તે અહેવાલમાં દર્શાવાયું નથી. વિકાસ અને રોજગારી વચ્ચે નબળો સંબંધ બંધાયો હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.

મહાબીમારીને કારણે આપત્તિજન્ય રોજગારો વધ્યા છે. અહેવાલમાં જાતિઆધારિત રોજગારોના પ્રભાવનું વિશ્લેષણ કરાયું છે. તે અનુસાર કચરો અને ચામડાં સાથે જોડાયેલાં કામમાં એસસી સમાજના લોકો ઝડપથી ઘટી રહ્યા છે. જોકે 2021-22 સુધીના આંકડા પ્રમાણે એ નષ્ટ થયા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *