રાજકોટ શહેરને સ્વચ્છતા રેન્કિંગમાં નંબર વન પર લઇ જવા માટે મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની પદ્ધતિમાં ધરમૂળમાંથી ફેરફાર કરી રૂ.1100 કરોડના ખર્ચે એજન્સીને કામ આપવાનો નિર્ણય કરાયો છે ત્યારે આ કામગીરી માટે કેટલી મશીનરીની જરૂર પડશે, કેટલા વાહનો મુકવા પડશે સહિતના આયોજન માટે શહેરની 5.30 લાખ રહેણાક, કોમર્શિયલ સહિતની મિલકતોના સર્વે માટે 40 ટીમો કામે લગાડવામાં આવી છે. આ ટીમો આગામી 20મી માર્ચ સુધીમાં કામગીરી પૂર્ણ કરી લેશે.
રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં રહેણાક, કોમર્શિયલ સહિતની મિલકતોના સર્વે અને ફોટા પાડવા માટે અને તમામ મિલકતોના જીઓ ટેગિંગ માટે વેસ્ટર્ન ઇમેજરી અને ઓમ સ્વચ્છતાને કામગીરી સોંપવામાં આવી છે. આ બન્ને એજન્સીઓની 40 ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરી રહી છે અને મિલકતોના ફોટા પાડી તેનો સર્વે કરી રહી છે. આ કામગીરી દરમિયાન નાગરિકોને અસુવિધા ન થાય તે માટે તેને કોઇજાતના પ્રશ્નો પૂછાતા નથી.
તમામ મિલકતોનો એટલે કે રહેણાક ઘર, રેસ્ટોરન્ટ, દુકાનો, ઓફિસો, લારી-ગલ્લા, કોમ્યુનિટી હોલ, હોસ્પિટલ, ક્લિનિક સહિતની મિલકતોનો સર્વે કરી જીઓ ટેગિંગ કર્યા બાદ રૂટ તૈયાર કરાશે અને આ રૂટમાં નિયત સમયમાં કચરો ઉપાડી લેવાનું આયોજન કરાશે.