રાજકોટમાં સમગ્ર ગુજરાતમાંથી 4 લાખ ક્ષત્રિય ઊમટ્યા

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. મેદાન ટૂંકું પડ્યું હતું. ત્રણ લાખ લોકો જ પ્રવેશી શક્યા હતા. જ્યારે એક લાખથી વધુ લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માગી હતી. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું. ગુજરાતભરમાંથી કેટલાક રાજવીઓ ઉપરાંત ભાયાતો અને ગામધણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. આ માટે સભામાં ઉપસ્થિત ક્ષત્રિયોને સોગંદ પણ લેવડાવવામાં આવ્યા હતા કે, 19 એપ્રિલ સુધીમાં એટલે કે, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભર્યા બાદ પરત ન ખેંચે તો પાર્ટ-2ના ભાગરૂપે ગુજરાત ઉપરાંત દેશના જે રાજ્યમાં ક્ષત્રિયોની સંખ્યા વધુ છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે આ તકે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હતું કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હીને પણ અમે હચમચાવી દેશું અને ભાજપ અત્યારે 400 પારની વાત કરે છે તેને અમે માત્ર 200ની અંદર જ સીમિત રહેવા દઈશું. આ માત્ર વાતો નહીં પરંતુ અમારી ચેલેન્જ છે. જ્યારે કોર કમિટીના સભ્ય રમજુભા જાડેજા અને ડો. જયેન્દ્રસિંહે કહ્યું હતું કે, પાર્ટ-1માં આપણે ઘણા આવેદનો આપ્યા, રૂપાલા હાય…હાય…ના નારા લગાવ્યા પરંતુ જો પાર્ટ-2 શરૂ કરવાની ફરજ પડશે તો આપણે એક-એક બૂથ સુધીનું માઈક્રો પ્લાનિંગ કરવાનું છે અને આપણી તાકાત શું છે તે સરકારને બતાવી દેવાની છે. આ સંમેલનમાં નાડોદા સમાજ, કારડિયા સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલેસલામ ગરાસિયા સમાજ, દલિત સમાજ, બ્રહ્મસમાજ સહિતના અનેક જ્ઞાતિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજની સાથે રહેવાનો હુંકાર કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *