શહેરના હુડકો અને આજીડેમ ચોકડી વચ્ચે રાત્રીના રોડ પરથી પસાર થતા વાહનચાલકોના જીવ જોખમમાં હોય પરંતુ પોલીસની લાપરવાહીના કારણે 35 પેસેન્જર સાથે પૂરપાટ જઈ રહેલી ખાનગી બસ પર ફરી પથ્થરમારો થતા કાચ તોડીને પથ્થર ડ્રાઈવરની કોણીમાં લાગ્યો હતો. છેલ્લા છ મહિનામાં આ ચોથો બનાવ છે કે, જેમાં પૂરપાટ ચાલતા વાહનોના કાચ પર એકાએક કોઈ શખ્સ પથ્થરમારો કરી લોકોના જીવને જોખમમાં મુકવાનું કૃત્ય આચરે છે પરંતુ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી.
આ બનાવમાં જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામે રહેતા રાહુલભાઈ ભીખાભાઈ ધાધલ(ઉં.વ.23)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે બે વર્ષથી ડ્રાઈવિંગ કામ કરે છે અને સંજયભાઈ જેબલિયાની રામનાથ ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ હંકારે છે. ગત તા.03/12ના રોજ સાંજના સાતેક વાગ્યે પોતે બસ ચલાવીને બિલખાથી સુરત જવાના રૂટ પર 35 જેટલા પેસેન્જરોને બેસાડીને નીકળ્યો હતો. ત્યારે રાત્રીના સાડા અગિયારેક વાગ્યા આસપાસ બસ ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાની સાઈડે આજીડેમ ચોકડીનો પૂલ ચડતા જ અચાનક જ બસના આગળના કાચ પર કોઈ અજાણ્યા શખ્સે પથ્થરનો ઘા ઝીંકાયા હતા.