સ્વાધ્યાય પરિવાર દ્વારા કૃષ્ણના વિચારો લોકો સુધી પહોંચે એ હેતુથી શહેરમાં જુદા-જુદા સ્થળોએ એક ટીમમાં 10 યુવાનો એવી 3150 ટીમમાં 31,500 યુવાનો સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ નાટ્યકૃતિ ભજવશે અને લોકો સુધી કૃષ્ણજીવનનો સંદેશ પહોંચાડશે. પદ્મવિભૂષણ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)ની પ્રેરણાથી સ્વાધ્યાય પરિવાર કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ અનોખી રીતે ઉજવે છે. ધનશ્રી શ્રીનિવાસન તળવલકર (દીદીજી)ના માર્ગદર્શન હેઠળ પથનાટ્યના માધ્યમથી લાખો યુવાનો દેશ-વિદેશમાં આ વિચાર લઈને જીવી રહ્યા છે. આ વર્ષે દેશના 15 રાજ્યમાં અને ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અખાતના દેશોમાં યુવાનોની આશરે 20,000 ટીમ એટલે કે આશરે 2 લાખથી વધુ યુવાનો 17થી 26 ઓગસ્ટ ‘’મેરે સંગ સંગ’’ પથનાટ્ય દ્વારા સૌને વિચાર કરવા પ્રેરિત કરવાના છે.