CBSE દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશિપ સ્કીમ (CSSS) 2025-26 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કૉલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે આ યોજના હેઠળ અરજી કરી શકશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં 80 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા હોય તેવો અરજી કરી શકે છે. સમગ્ર પરિવારની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ સ્કોલરશિપ માટે અરજી કરેલી ન હોવી જોઈએ.
CBSE દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ સ્કોલરશિપ માટે ઓનલાઈન અરજી ફોર્મ 31 ઑક્ટોબર, 2025 સુધી ભરાશે. અરજી નેશનલ સ્કોલરશિપ પોર્ટલ scholarships.gov.in પર કરવી રહેશે. દર વર્ષે CBSE આ યોજના હેઠળ ઓલ ઇન્ડિયા લેવલ પર 82,000 નવા વિદ્યાર્થીઓની પસંદગી કરે છે. તેમાં મેડિકલ, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન જેવા કોર્સનો સમાવેશ થાય છે. આ સ્કોલરશિપનો હેતુ એ છેકે, રૂપિયાની અછતથી વિદ્યાર્થીઓનું ઊંચું શિક્ષણ અધૂરું ન રહી જાય.
ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓને પહેલા ત્રણ વર્ષ સુધી દર વર્ષે 12,000 રૂપિયા (કુલ રૂ. 36,000 સુધી) સહાય મળશે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 રૂપિયા, મહત્તમ 2 વર્ષ સુધી સહાય મળશે. અરજી માટે કેટલીક મહત્ત્વની શરતો પણ રાખવામાં આવી છે. ઉમેદવારનો પ્રવેશ AICTE અથવા માન્યતા પ્રાપ્ત નિયામક સંસ્થાથી સંકળાયેલા કૉલેજ/સંસ્થામાં હોવો જરૂરી છે. વિદ્યાર્થીને બીજી કોઈ સરકારી સ્કોલરશિપ કે ફી માફીનો લાભ મળતો ન હોવો જોઈએ. ઉપરાંત આ સ્કોલરશિપનો લાભ માત્ર તે વિદ્યાર્થીઓ લઈ શકશે, જેમના પરિવારની વાર્ષિક આવક રૂ. 4.5 લાખ સુધી છે.