13 ફેબ્રુઆરીને ગુરુવારથી ભાવનગર-હરિદ્વાર- ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272)નો શુભારંભ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રમાંથી હરિદ્વાર જવા માટે યાત્રિકોનો ભારે ટ્રાફિક રહેતો હોય છે ત્યારે રાજકોટથી આશરે 300થી વધુ વડીલોએ આ ટ્રેનમાં હરિદ્વાર કથામાં જવા માટે એડવાન્સ બુકિંગ ખૂલતા જ ટિકિટ લઇ લીધી હતી, પરંતુ એપ્રિલમાં આ ટ્રેન રદ કરવામાં આવી હોવાના તેમને મેસેજ મળતા વડીલો સહિતના યાત્રિકો હાલ રઝળી પડ્યાની સ્થિતિ નિર્માણ પામી છે. યાત્રિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમે લોકોએ ગામે-ગામ જઈને લાઈનમાં ઊભા રહીને કન્ફર્મ ટિકિટ બુક કરાવી હતી. કથામાં જવા માટેની તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ હવે અમને ખબર પડી કે એપ્રિલમાં આ ટ્રેનને રદ કરાઈ છે.
હરિદ્વારમાં એપ્રિલ મહિનામાં કથાનું આયોજન કરાયું હોવાથી રાજકોટથી 300થી વધુ વડીલો સહિતના યાત્રિકો ભાવનગરથી ઉપડતી ટ્રેન નં.19271 ભાવનગર-હરિદ્વારમાં જવા માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં વડીલો જતા હોવાથી કન્ફર્મ ટિકિટ મેળવવા માટે જુદા જુદા સ્ટેશન પર રૂબરૂ જઈને કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને કન્ફર્મ ટિકિટ લીધી હતી, પરંતુ હજુ 13મીએ જ શરૂ થયેલી આ ટ્રેન એપ્રિલમાં રદ કરવામાં આવી હોવાના મેસેજ મળતા યાત્રિકોમાં રોષ ફેલાયો છે. ટ્રેન નં.19271 ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડે છે અને શનિવારે પ્રાતઃ 03.40 કલાકે હરિદ્વાર પહોંચે છે. તેવી જ રીતે પરત આવવા માટે ટ્રેન નંબર 19272 હરિદ્વાર-ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર શનિવારે પ્રાતઃ 5 કલાકે હરિદ્વારથી ઉપડે છે અને રવિવારે બપોરે 12 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.