એર ઈન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કારણ કે એર ઈન્ડિયાના 300 વરિષ્ઠ કર્મચારીઓ એકસાથે સિક લીવ પર ગયા છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. લગભગ 300 વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ક્ષણે બીમાર હોવાની જાણ કર્યા પછી તેમના મોબાઇલ ફોન બંધ કરી દીધા છે.
હકીકતમાં ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યોએ સામૂહિક રજા લીધી હતી. પૂરતા કેબિન સ્ટાફના અભાવને કારણે કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિતની અન્ય ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે.
ફ્લાઇટ રદ થયા પછી, એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા કેબિન ક્રૂનો એક વિભાગ છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ થઈ હતી, જેના પગલે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલીક રદ કરવામાં આવી હતી. અમે આ પાછળનાં કારણોને સમજવા માટે ક્રૂ સાથે વાત કરી રહ્યા છીએ, અમારી ટીમો અમારા મુસાફરોને કોઈપણ અસુવિધા ઘટાડવા માટે સક્રિય છે.