વેપારીના ઘરમાંથી કિંમતી 3 ઘડિયાળ સહિત 30.50 લાખની મત્તાની ચોરી

જીવરાજ પાર્કમાં રહેતા વેપારીને ત્યાં નોકરી કરતો પોરબંદરનો શખ્સ રોકડા રૂ.9 લાખ અને ઘરમાંથી રૂ.21.50 લાખની 3 કિંમતી ઘડિયાળ મળી કુલ રૂ.30.50 લાખની માલમતા ઉઠાવી ગયો હતો.

જીવરાજ પાર્કના કસ્તૂરી એવિયરી ફ્લેટમાં રહેતા અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરતાં જતિનભાઇ હરેશભાઇ અઢિયા (ઉ.વ.41)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોરબંદરનો ભરત ઓડેદરા તેમને ત્યાં નોકરી કરે છે. ચાર વર્ષ જતિનભાઇએ ભરતને પોતાની સાથે આફ્રિકા રાખ્યો હતો અને બે વર્ષથી રાજકોટ સાથે રહે છે અને ભરત શ્વાનની દેખરેખ અને જતિનભાઇનો હિસાબ સંભાળતો હતો.

જતિનભાઇએ પોતાની માલિકીની જમીન વેચી હોય અને ગત તા.25ના તેનો દસ્તાવેજ હોય જતિનભાઇ એ દિવસે પોતાના કર્મચારી ભરતને લઇને અયોધ્યા ચોક નજીક ગયા હતા અને ત્યાં જમીન ખરીદનાર અનિલભાઇએ રૂ.9 લાખ આપ્યા હતા, તે રૂ.9 લાખ જતિનભાઇએ પોતાના કર્મચારી ભરતને આપી તે રકમ બેંકમાં જમા કરાવવા કહ્યું હતું અને જતિનભાઇ દસ્તાવેજ માટે પડધરી ગયા હતા. લાંબો સમય વિતવા છતાં બેંકમાં રકમ જમા થયાનો મેસેજ નહીં આવતા જતિનભાઇએ બેંકમાં પોતાના પરિચિત કર્મચારીને ફોન કરતાં આવી કોઇ રકમ જમા નહીં થયાનું જાણવા મળ્યું હતું, જેથી તેમણે ભરતને ત્રણ વખત ફોન કર્યા હતા, પરંતુ તેણે ફોન રિસીવ કર્યા નહોતા, જેથી જતિનભાઇને શંકા ઊઠી હતી અને તેમણે ઘરે જઇને તપાસ કરી તો લોકરમાં રાખેલી રૂ.21.50 લાખની વિદેશી 3 ઘડિયાળ ગાયબ હતી. જતિનભાઇએ ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો ભરતે પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલી તેમાંથી સામાન લઇને જતો દેખાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *