ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કરણે અખાતમાંથી આયાત કરવામાં આવતા ડ્રાયફ્રુટના ભાવમાં વધારો નોંધાયો છે. જોકે, હવે યુદ્ધ વિરામની જાહેરાત થતા આગામી એકાદ મહિના બાદ ભાવમાં ઘટાડો થાય તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં દર મહિને અંદાજિત 3 ટર્ન જેટલા ડ્રાયફ્રુટનું વેચાણ થઇ રહ્યું છે અને તેમાં સૌથી વધુ કાજુ બદામ અને પિસ્તાનું વેચાણ થઇ રહ્યું છે. યુદ્ધના કારણે કાજુના ભાવ પ્રતિકિલો 900થી 1000, બદામ 850થી 1100 અને પિસ્તા રૂપિયા 1800થી 2400ના ભાવથી વેચાઈ રહ્યા છે. જ્યારે કેસરનો ભાવ પ્રતિ કિલો 2 લાખ રૂપિયા છે.
રાજકોટના ડ્રાયફ્રુટના હોલસેલના વેપારી નરેશભાઈ પંજવાણીએ જણાવ્યું હતું કે, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના કારણે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થવા પામ્યો છે. ડ્રાયફ્રુટના ભાવમાં પ્રતિ કિલો 100થી 150 રૂપિયાનો વધારો નોંધાયો છે અને હવે આગામી સમયમાં યુદ્ધ વિરામની જાહેરાત થતા આગામી એકાદ મહિનામાં ડ્રાયફ્રુટના ભાવમાં ઘટાડો થાય તેવી આશા છે. રાજકોટની અંદર લોકો વધારે કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તા ખાવાનું પસંદ કરતા હોય છે. હું દર મહિને 500 કિલો બદામ, મોરા પિસ્તા 250 કિલો અને ખારા પિસ્તા 400થી 500 કિલો વેચાણ કરી રહ્યો છું. જ્યારે આખા રાજકોટની પરાબજારમાં લગભગ અંદાજે 3 ટર્ન ડ્રાયફ્રુટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.