રાજકોટમાં વરસાદના વિઘ્ન વચ્ચે 3 હજાર લગ્ન, 3 માસ બાદ મુહૂર્ત હોવાથી મુશ્કેલી

આ વર્ષે લગ્નનાં મુહૂર્તો ઓછા હોવાથી લગ્નના તાંતણે બંધાવવા માંગતા યુવક-યુવતીઓને દિવસો સુધી સારા મુહૂર્તની રાહ જોવી પડી રહી છે. રાજકોટના શાસ્ત્રી અને વેદાંત રત્ન તરીકે ઓળખાતા રાજદીપ જોષીના કહેવા મુજબ, આ વર્ષે ગુરૂ-શુક્રનો અસ્ત હોવાથી ઊનાળામાં 40ના સ્થાને એક પણ લગ્નનાં મુહૂર્ત આ વર્ષે નહોતા. હવે ચોમાસામાં 9 જુલાઈથી લગ્નનાં મુહૂર્ત શરૂ થઈ રહ્યા છે. જેમાં પણ 6 જ મુહૂર્ત હોવાથી વાડીઓ, કોમ્યુનિટી હોલમાં હાઉસફૂલની સ્થિતી છે. પાર્ટી પ્લોટમાં લગ્નમાં હવે વરસાદનો ડર રહેશે. તેમ છતાં પણ લગ્નનાં 6 મુહૂર્તમાં રાજકોટ શહેરમાં 1,500 તો જિલ્લામાં 3,000 જેટલાં લગ્નો થશે. બાદમાં 3 માસ બાદ દિવાળીમાં એટ્લે કે નવેમ્બર માસમાં લગ્નનાં મુહૂર્ત શરૂ થશે.

વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું કે, અષાઢ સુદ ત્રીજને મંગળવાર તા. 9 જુલાઈ 2024ના દિવસથી લગ્નના મુહૂર્તોની શરૂઆત થશે. આ વર્ષે ગુરૂ-શુક્રના અસ્તના લીધે ઉનાળામાં મે તથા જૂન મહિનામાં લગ્નના મુહૂર્તો જ ન હતા, પરંતુ હવે 9 જુલાઇ મંગળવારથી 6 જેટલા લગ્નના મુહૂર્તો છે. જુલાઇ મહિનાના લગ્નના મુહૂર્તો તા. 9, 11, 12, 13, 14 અને 15ના છે. ત્યારબાદ તા. 17 જુલાઇના બુધવારે દેવ પોઢી એકાદશી છે અને જ્યોતિષના નિયમ પ્રમાણે દેવપોઢી જાય એટલે લગ્ન થઇ શકતા નથી. આથી આ વર્ષે હવે માત્ર 6 લગ્નના મુહૂર્તો છે. જેથી જુલાઈ માસમાં માત્ર 6 દિવસમાં જ તમામ લગ્નો થઈ શકશે બાદમાં ત્રણ માસ બાદ એટ્લે કે નવેમ્બર માસમાં લગ્નનું મુહૂર્ત આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *