હવામાન વિભાગ દ્વારા આજે (20 જુલાઈ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય છે. તેમાં પણ ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આજના દિવસે સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની હવામાને આગાહી કરી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા શિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફની રચના થઈ છે. જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે.