રાજકોટ જિલ્લામાંથી 3 પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું સામે આવ્યું છે. લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી તેઓ ગેરકાયદે રાજકોટ જિલ્લામાં રહેતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે લોધિકા તાલુકામાં રહેતા રિઝવાનાબેન મુનાફભાઇ ટાટારીયા (ઉ.વ.50), ઝીશાન મુનાફભાઇ ટાટારીયા (ઉ.વ.29) અને તેનો સગીર વયનો પુત્રને પકડી પૂછપરછ હાથ ધરી છે.
પાકિસ્તાની નાગરિક ગેરકાયદે વસવાટ કરતા હોવાની બાતમી મળી હતી ઘૂસણખોરી અંગે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા અંગે આપેલ આદેશ બાદ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની પોલીસ તેમજ ગ્રામ્ય SOG અને LCBની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ઘૂસણખોરી અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય LCB પોલીસની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં પાકિસ્તાની નાગરિક ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા છે જેના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી.
લગભગ દોઢ-બે દાયકા પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા હતા પોલીસ ટીમે લોધીકા પહોંચી તપાસ કરતા એક પરિવાર મળી આવ્યો હતો. જેમની પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના પુરાવાઓ હતા નહીં. ત્યારબાદ પૂછપરછ કરતા તેઓ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું અને તેઓ લગભગ દોઢ-બે દાયકા પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.