જસદણના કરમાળ સિંચાઈ યોજના હેઠળ આવતા ડેમના ત્રણ દરવાજા આજે તા.29ના રોજ ખોલવાના હોવાથી હેઠવાસમાં અવરજવર નહીં કરવા સૂચના જારી કરવામાં આવી છે. કોટડા સાંગાણી, ગોંડલ, જસદણ તાલુકાનાં છ ગામો માટે ચેતવણી સંદેશ અપાયો છે. કરમાળ સિંચાઈ યોજનામાંથી પાણી છોડવા ૨૯મી એપ્રિલે ડેમના દરવાજા ખોલવાના હોવાથી હેઠવાસમાં અવરજવર નહીં કરવા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
સિંચાઈ પેટા વિભાગ, ગોંડલ કચેરીની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજ્ય સરકાર તરફથી મળેલી મંજૂરી મુજબ, નદીમાં પાણી છોડીને હેઠવાસના ડેમો ભરવાના હેતુથી ૨૯મીએ કરમાળ સિંચાઈ યોજનાના ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવશે. જેના કારણે આ યોજનાના હેઠવાસમાં આવતા કોટડા સાંગાણી તાલુકાના વાદીપરા, કરમાળ પીપળીયા, દેતવાડીયા, ગોંડલ તાલુકાના મોટા દડવા, કરમાળ કોટડા તથા જસદણ તાલુકાના ઈશ્વરીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના અપાઇ છે.