રાજકોટમાં બે દિવસ પહેલાં ગણતરીના સમયમાં જ પાંચ સ્થળે છરી બતાવી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. જ્યારે ચોથો આરોપી ભાગી જતાં તેની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ ગાંજા બાદ દારૂનું સેવન કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ લૂંટફાટ કરવા નીકળી પડયા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી ભરત ઉર્ફે ભરતો પોપટ પરમાર (ઉ.વ.21), રમીઝ ઉર્ફે બચ્ચો ઈમરાન જેસડીયા (ઉ.વ.19) અને નિલેષ ઉર્ફે ભુરી ઉર્ફે ભુરો ગોપાલ વાઘેલા (ઉ.વ.21)ની લૂંટના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આ ત્રણેય આરોપીઓના લીડર તરીકે સમીર ઉર્ફે સમલો અબ્દુલ ઠેબાનું નામ ખુલ્યું છે. જે ભાગી જતાં ક્રાઈમ બ્રાંચે તેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં બે દિવસ પહેલાં આરોપીઓએ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ગાંજા અને દારૂ વગેરેનો નશો કર્યો હતો. ત્યાર બાદ એક બાઈક અને બુલેટ ઉપર રેસકોર્સ રિંગ રોડ પર આવ્યા હતા. જ્યાં સમીર ઉર્ફે સમલો બુલેટમાં આંટાફેરા કરવા લાગ્યો હતો. બાકીના ત્રણેય આરોપીઓને તેણે લૂંટફાટ કરવાની સૂચના આપતા તેઓ એક બાઈક ઉપર નીકળી પડયા હતા. આ ત્રણેય આરોપીઓએ ત્રિપલ સવારી બાઈકમાં જઈ નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે, મવડી બ્રિજ પર, ડો. હોમી દસ્તુર માર્ગ, ભક્તિનગર સ્ટેશન સર્કલ નજીક અને ગોંડલ રોડ પર એમ પાંચ-પાંચ સ્થળોએ છરી બતાવી લૂંટો ચલાવી આતંક મચાવ્યો હતો.