20 માર્ચના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 3,67,000 બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવશે. અંતરિયાળ અને વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. જ્યારે સુપરવાઈઝરો સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરશે.
રાજકોટ જિલ્લાના 12 સામૂહિક આરોગ્યકેન્દ્ર, 55 પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, 12 અર્બન હેલ્થ સેન્ટર, 348 સબ સેન્ટર અને તેના સેજાના અંદાજિત 605 ગામોમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં કૃમિ વિષયક જાગૃતિ પત્રિકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડીસ્પ્લે કરવામાં આવશે. દરેક તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર કક્ષાએ જૂથ ચર્ચા, ગ્રૂપ મિટિંગ, રોલ પ્લે, કાઉન્સેલિંગ સેશન, શોર્ટ ફિલ્મો, કેમ્પ, વર્કશોપ યોજવામાં આવશે તેમજ સપ્તધારાના તાલીમાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.
રાજકોટ જિલ્લા આરોગ્યની ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો દ્વારા બુથ પર બાળકોને કૃમિની ગોળી ખવડાવવાની કામગીરી કરવામાં આવશે. અસરકારક નિરીક્ષણ માટે સુપરવાઈઝરો નિમવામાં આવ્યા છે. 20 માર્ચના રોજ કૃમિનાશક ગોળી ખવડાવવામાં બાકી રહેલા બાળકોને 27 માર્ચના રોજ મોપ અપ રાઉન્ડમાં આવરી લેવામાં આવશે. આરોગ્ય ટીમ દ્વારા ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાતરી કરવામાં આવશે અને જો કૃમિનાશક ગોળી ખવડાવવામાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ગોળી ખવડાવવામાં આવશે.