સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 3.57 લાખ પરીક્ષાર્થી, પ્રશ્નપત્રોનું PATA એપથી દરરોજ ટ્રેકિંગ કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં રાજકોટમાં ધોરણ 10 અને 12ના કુલ 76,312 વિદ્યાર્થી અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 3,57,013 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે. ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી અને ધો.12 કોમર્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે. જિલ્લામાં દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીના માધ્યમથી દેખરેખ રખાશે. આ ઉપરાંત બોર્ડની સ્ક્વોડ પણ પરીક્ષાની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. પ્રશ્નપત્રો જ્યારે મોકલવામાં આવે ત્યારે બોર્ડની PATA (પેપર ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન) એપથી દરરોજ તેનું ટ્રેકિંગ કરવામાં આવશે.

ધોરણ-10માં પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12માં સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીનો રહેશે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ધોરણ 10માં 2,22,244 વિદ્યાર્થી નોંધાયા છે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 26,266 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1,08,503 વિદ્યાર્થી નોંધાયા છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે. જિલ્લામાં કુલ 65 કેન્દ્ર અને 2753 બ્લોકમાં કુલ 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ ઊભો કરાયો છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના 5, ધો.12 સાયન્સના 3 અને કોમર્સના 4 ઝોન પાડવામાં આવ્યા છે. રાજકોટમાં ધોરણ-10માં 45,421 વિદ્યાર્થી, ધોરણ 12 સાયન્સમાં 7684 અને ધોરણ-12 કોમર્સમાં 23,207 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *