રાજકોટના કુવાડવા પાસેના બેટી રામપરા ગામના પાટિયા પાસે વાડીના કૂવામાંથી ત્રણેક વર્ષના બાળકની લાશ મળી આવતા તેમજ બાળકનું મોત ત્રણેક દિવસ પહેલાં થયાનું બહાર આવતા એરપોર્ટ પોલીસે બાળકનું ડૂબી જવાથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે બાળકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી બાળકની ઓળખ મેળવવા કાર્યવાહી કરી હતી. પોલીસે રાજકોટ ઉપરાંત બેટી, રામપરા, કુચિયાદડ સહિતના ગામોમાં આશા વર્કરો તેમજ આંગડવાડીમાં બાળકની ઓળખ મેળવવા કાર્યવાહી કરી હતી. તેમજ બેટી રામપરા ગામ પાસેના બનાવથી થોડે દૂર સીસીટીવી ફૂટેજ પર તપાસ હાથ ધરી છે.
બેટી રામપરાના પાટિયા નજીક ભારત બેન્ઝ કંપનીના શોરૂમ સામે જયેશભાઇ બાંભણિયાની વાડીના કૂવામાં બાળકની લાશ તરતી હોવાની જાણ થતા એરપાર્ટ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતના સ્ટાફે પહોંચી બાળકની લાશને બહાર કાઢી તપાસ કરતાં બાળક ત્રણેક વર્ષનો હોવાનું અને તેને દૂધિયા કલરનું ટીશર્ટ અને કાળા કલરની ચડ્ડી પહેરેલ હોવાનું અને બન્ને હાથમાં કાળા કલરની કડલી પહેરેલ હોવાનું બહાર આવતા પીએસઆઇ જાડેજા સહિતના સ્ટાફે બાળકનાં મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસની તપાસમાં બાળકની ઓળખ મેળવવા બેટી રામપરા નજીક કંપનીના સીસીટીવી ફૂટેજ પર તપાસ હાથ ધરી હતી. બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયાનું પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું હતું. આમ ત્રણ વર્ષના બાળકને જીવિત હાલતમાં હતો ત્યારે તેને ફેંકી દેવાયાની દૃઢ શંકા સેવાઇ રહી છે. બેટી રામપરા પાસેના કુચિયાદડ, કુવાડવા, બેટી સહિતના ગામમાં બાળકના ફોટા બતાવી તેની ઓળખ મેળવવા કાર્યવાહી કરી હતી. તેમજ રાજકોટમાં રેલનગર તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી માતા સાથે લાપતા થયેલા બાળકના પરિવારની પૂછતાછ કરી હતી.