3 કેન્દ્રમાં કાલે નીટ પીજીની પરીક્ષા, ડિજિટલ વોચ પહેરી જવાની મનાઇ

રાજકોટ શહેરમાં તા. 3 ઓગસ્ટે પોસ્ટ ગ્રેજયુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (પી.જી.નીટ) ની પરીક્ષા સવારે 9 થી 12 દરમિયાન 3 કેન્દ્રો ઉપર તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ઈન્સ્પેક્ટર વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 થી 6 દરમિયાન 1 કેન્દ્ર પર લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા છે. પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રને લગતું કોઈ સાહિત્ય-પુસ્તક-ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ટેબ્લેટ, આઈ-પેડ, સ્માર્ટ વોચ વગેરે જેવા ડિજિટલ ઉપકરણો લઈ જવા નહીં. સુપર વાઇઝરોએ પણ પરીક્ષાખંડમાં મોબાઈલ ન લઈ જવા જણાવાયું છે.

3 ઓગસ્ટે સવારે 8થી સાંજે 7 સુધી પરીક્ષા કેન્દ્રો (શાળા-કોલેજો) નજીકના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્સ-કોપિયર મશીન ચાલુ રાખી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં વાહનો લાવી કે લઈ જઈ શકાશે નહીં, ચાર વ્યક્તિઓએ ભેગા થવું નહીં. લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.

પરીક્ષા કેન્દ્રોમાં ફરજ પરના અધિકારીઓ, સ્ટાફ, કર્મચારીઓએ આઇકાર્ડ પહેરવાનું રહેશે. જેમણે અગાઉથી પરવાનગી મેળવેલી હોય તેવા ફરજ પરના અધિકારીઓ-સ્ટાફ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકો, ફરજ પરના પોલીસ-એસ.આર.પી.-હોમગાર્ડ-જી.આર.ડી.ના સ્ટાફને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *