ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરીના રોજ 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યની તમામ પોસ્ટ ઓફિસમાં ‘ડાક ચોપાલ’નું આયોજન કરવામાં આવ્યું છે. ડાક ચોપાલનો ઉદ્દેશ્ય સમાજના છેવાડાના વર્ગ સુધી આવશ્યક સરકારી અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પહોંચાડવાનો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 2997 પોસ્ટ ઓફિસ આવેલી છે. ડાક ચોપાલ દ્વારા આટલા વ્યાપક સ્તરે, લોકો સરકારી યોજનાઓ સાથે સીધા જોડાઈ શકશે અને તેમની જરૂરિયાતો મુજબ બેન્કિંગ, પાસપોર્ટ, વીમા સહિતની માહિતી મેળવી શકશે.
રાજકોટના સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે, 26મીએ કેન્દ્રીય સેવાઓની સાથે, રાજ્ય કક્ષાની વિવિધ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ એક છત નીચે મળી શકશે. ‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ, નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત તમામ નાગરિક-કેન્દ્રિત સેવાઓ વિશે જાગૃતિ ફેલાવીને લોકોને લાભ આપવામાં આવશે. આ કાર્યક્રમ નાગરિકોને સરકારી યોજનાઓ સાથે સીધા જોડવાનો એક અસરકારક માર્ગ સાબિત થશે. ડાક સેવાઓની બદલાતી ભૂમિકા પર તેમણે જણાવ્યું કે, પત્રો અને પાર્સલ ઉપરાંત, ડાક વિભાગ બચત બેંક, પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, કોમન સર્વિસ સેન્ટર જેવા ઘણા કાર્યો કરવામાં આવી રહ્યા છે.