અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.1500 કરોડના ખર્ચે બ્રિજ-અંડરપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દરેક ટેન્ડરમાં 10 ટકાથી 35 ટકા સુધી વધારો આપવામાં આવ્યો છે. સૌથી વધુ ભાવ વધારો ભ્રષ્ટાચારનો નમુનો બનેલા હાટકેશ્વર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને નારણપુરા વિસ્તારમાં પલ્લવ ઓવરબ્રિજ બનાવવા માટે 34.50 ટકા જેટલો વધારો આપી બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે બ્રિજની કામગીરી છ મહિનાથી વધુ સમય બંધ રહેતા આજે પણ રોજના 50 હજારથી વધુ લોકોને 1 વર્ષ સુધી બ્રિજ નહીં તૈયાર થાય ત્યાં સુધી હાલાકીનો સામનો કરવો પડશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા અને નવા બનાવવામાં આવી રહેલા ઓવરબ્રિજ અને અંડરપાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરોને અંદાજિત ભાવ કરતા વધુ ભાવે ટેન્ડર આપી અને કામગીરી કરવામાં આવે છે તેમ છતાં પણ સમયસર બ્રિજની કામગીરી પૂર્ણ થતી નથી. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા માટે અંદાજિત ભાવનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે, તે ભાવ કરતા દરેક કોન્ટ્રાક્ટરને 10 ટકાથી લઈ 15થી 25 ટકા સુધી ભાવ વધારો આપવામાં આવે છે. અંદાજિત ભાવ નક્કી કરી અધિકારીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે ટેન્ડર ભરવામાં આવે છે તેમાં વધુ ભાવ આવે છે.