ભીમ અગિયારસ બાદ સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર જુગાર રમવાની પરંપરા છે ત્યારે બે દિવસ પૂર્વે ભીમ અગિયારસ બાદ જુગારની મોસમ શરૂ થઇ હોય તેમ ગઇકાલે એક દિવસમાં રાજકોટ જિલ્લામાં પોલીસે અલગ-અલગ 5 દરોડા કરી જુગાર રમતા 26 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામમાંથી રૂ.6.95 લાખના મુદામાલ સાથે 5 શખ્સોને ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપી લઈ રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય LCB પીઆઇ વી.વી.ઓડેદરા અને ટીમ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે પીપલાણા ગામની સીમમાં આવેલ રાજન જુમ્માભાઇ દલના કબજા ભોગવટાના મકાનમાં દરોડો પાડતા કરણ ઉર્ફે નનકુ દડુ ચાવડા, રજાક નુરમહંમદ ચુડાસમા, હનીફ હુશેન શાહમદાર, ધર્મેશ ભોજરાજ જેઠાણી અને સુશીલ જમનાદાસ બખતીયાપુરી નામના 5 શખ્સો ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1.60 લાખ તથા એક કાર, પાંચ મોબાઈલ ફોન મળી રૂ.6.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ ક્લબ રાજકોટ રૂખડીયા કોલોનીનો કરણ ઉર્ફે નનકુ ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દરોડા દરમિયાન રાજન જુમ્મા દલ, અમીન ઉર્ફે સીકંદર કાદરભાઇ મકડ અને રોબટ નાસી છૂટ્યા હતા જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.