જીએસટીમાં ચાર વર્ષ જૂના કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. અંદાજિત 2500 જેટલા કેસમાં આકારણી કરવામાં આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી એકપક્ષીય નિર્ણય થતો હતો તેવી કરદાતાઓમાં ફરિયાદ ઉઠી હતી. તેના બદલે આ વખતે વ્યવસ્થિત અને કાયદેસર આકારણી કરી હોવાનું કરદાતાઓએ જણાવ્યું છે. શનિવાર છેલ્લો દિવસ હોય મોડી સાંજ સુધી કાર્યવાહી કરવામાંઆવી હતી.
ટેક્સ કન્સલટન્ટોના જણાવ્યાનુસાર આ કેસ કોરોના વખતના હતા. કોરોના વખતે અનેક લોકોના ધંધા- રોજગાર બંધ થઇ ગયા હતા જેને કારણે તેઓ રિટર્ન ફાઈલ કરી શકયા નહોતા. જેમને સતત ત્રણ વખત જીએસટી રિટર્ન ફાઈલ ના કર્યું હોય તેવા લોકોના નંબર પણ રદ કરવામાં આવ્યા હતા અને જે લોકોઅે નિયમિત રિટર્ન ફાઈલ કર્યા હતા તેમાં આઇટીસી મેળવવા સહિતની અનેક પ્રક્રિયાઓ બાકી હતી. આ બધા કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. શનિવાર છેલ્લો દિવસ હોવાને કારણે વકીલો અને વેપારીઓ જીએસટીના અધિકારીઓ મોડી સાંજ સુધી કેસ નિકાલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સવારથી જ કચેરીમાં કામગીરી શરૂ થઈ ગઇ હતી. લગભગ 95 ટકા કેસોનો નિકાલ કરી દેવાયો છે.
જે કેસમાં પક્ષકાર હાજર નહોતા એવા કેસમાં એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જીએસટી અધિકારી દ્વારા પૂર્ણ ચકાસણી બાદ જ લેવાયેલા નિર્ણય અને મુદ્દાસર આકારણી કરાઈ હતી.