રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ ઠંડી ઘટી છે, દિવસ દરમિયાન લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે મંગળવારે રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજકોટનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં હજુ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ સહિત રાજ્યભરમાં 25મી જાન્યુઆરી બાદ ઠંડીનો રાઉન્ડ ફરી શરૂ થશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
તદુપરાંત જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે ને વાતાવરણમાં ફરી પલટો આવશે તો બીજી તરફ ઉત્તર ભારતમાં પણ ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ છવાતા ફ્લાઈટ શિડ્યૂલ ખોરવાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ચારથી પાંચ ડિગ્રી વધુ રહ્યું હતું. અમદાવાદ 16.2 ડિગ્રી, વડોદરા 15.8 ડિગ્રી, રાજકોટ 15 ડિગ્રી અને સુરતમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે, જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે.