શહેર-જિલ્લાના 24 નાયબ મામલતદારની બદલીનો ઘાણવો જિલ્લા કલેક્ટરે કાઢ્યો છે. આ સિવાય 12 નાયબ મામલતદારને પોસ્ટિંગ પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં કાયમી નિમણૂકના ઓર્ડર આપી દેવાયા છે. નાયબ મામલતદારોની બદલીનો જે ઘાણવો કાઢવામાં આવ્યો છે તેમાં લોધિકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને લેન્ડ ગ્રેબિંગ શાખામાં મુકાયા છે. જ્યારે અન્ય બે કર્મચારીને પણ કાયમી ઓર્ડર આપી દેવાયા છે.
જે બદલીનો ઘાણવો નીકળ્યો છે તેમાં અનેક કર્મચારીઓને કાયમી પોસ્ટિંગના ઓર્ડર આપવામાં આવ્યા છે તેમાં કલેક્ટર કચેરીની રેકર્ડ શાખામાં, મામલતદાર કચેરી પૂર્વ વિભાગ, બિનખેતી શરતભંગ શાખા, પુરવઠા શાખા, આરઓ શાખા, પૂર્વ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીની કામગીરીમાં ફેરફાર આવશે.
આ ઉપરાંત કોટડાસાંગાણીના મામલતદાર કચેરીના પવન પટેલની પ્રાંત-2 કચેરીમાં શિરસ્તેદાર તરીકેની જવાબદારી સોંપાઈ છે. વર્તમાનમાં જે આ જગ્યા પર ફરજ બજાવે છે તે હિરેન જોશીને ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અનેક નાયબ મામલતદારોને નવી જગ્યા, વિભાગમાં પોસ્ટિંગ અપાયું છે.